ધીરજહીન માણસ બનતા કામ બગાડે.... / Becoming an impatient man wastes work ....
ૐ
ધીરજહીન માણસ બનતા કામ બગાડે.... / Becoming an impatient man wastes work ....
આપણે જયારે ભગવાન પાસે પ્રાર્થના કરીએ ત્યારે ઘણું બધું માંગીએ. સદબુદ્ધિ, લાબું આયુષ્ય અને ધનસંપત્તિ તો અચૂક માંગીએ જ પણ ક્યારેય આપણે ઈશ્વર પાસે ધીરજ માંગી છે??? જી હા!! ધીરજ, આ એક એવો સદગુણ છે કે આપણામાં એ હોવો જ જોઈએ. આપણે આપણા વડીલો પાસેથી અને પછી ભણવામાં ધીરજ માટે ઘણી કહેવાતો સાંભળી હશે, " ધીરજનાં ફળ મીઠાં હોઈ ", "ઉતાવળે આંબો નાં પાકે" વગેરે વગેરે.......
આ ગુણ આજની પેઢીમાં બહુ ઓછો જોવા મળે છે. આપણે જિંદગીમાં ખૂબ મહેનત કરીએ છીએ, આપણી માટે, પરિવાર માટે દિવસ રાત એક કરી દઈએ છે પણ એ આકરી મહેનત પછી સારુ પરિણામ ના મળે તો આપણે ખૂબ દુઃખી થઈ જઈએ છે. જો કે દુઃખ થવું એ સ્વાભાવિક જ છે પરંતુ દરેક વસ્તુ આપણા ધાર્યા પ્રમાણે જ થાઈ એ પણ જરૂરી નથી. આથી કોઈ પણ કામનું પરિણામ સકારાત્મક મળે એ બરોબર છે પણ ક્યારેક ના મળે તો એને ફરીથી નવેસરથી કરી તેમાં સુધારા વધારા કરી ફરી જુદી રીતે કરીને પછી જોવું તમને ચોક્કસ સફળતા મળશે પણ બગડેલું કામ ફરીથી નવેસરથી ચાલુ કરવા માટે જે ગુણો જોઈએ તે છે હિંમત અને ધીરજ. જે ક્યાંય કોઈ દુકાનમાં વહેંચતા નથી અને કોઈ ફેક્ટરીમાં બનતા નથી. આ ગુણો કાં તો જન્મજાત હોઈ છે અને કાં તો પ્રયત્ન કરી વિક્સવવા પડે છે.
આજના યુવા વર્ગ પાસે બુદ્ધિ પુષ્કળ છે, તેઓ અવનવા કામો કરવાનું સાહસ પણ કરે છે પરંતુ મોટા ભાગના યુવાનો ધીરજનાં અભાવે પેલી નિષ્ફળતા મળતા જ કામ વચ્ચેથી છોડીને બીજું કામ હાથમાં લઈ લે છે. આવી રીતે કામ બદલાતું જાય અને થોડી ધીરજનાં અભાવે સફળતા દૂર થતી જાય અને પછી તણાવ અને દુઃખ ઘેરી વળે છે. દરેક નવું કામ ચાલુ કરીએ ત્યારે સીધી જ સફળતા નથી મળી જતી. ગમે તે કામને સફળ બનાવવા અથાગ મહેનત અને ખૂબ બધી ધીરજની જરૂર પડે છે. થોડી શાંતિ રાખી ઠંડા મગજે વિચાર કરવાથી ગમે તેવી સમસ્યા હોઈ તેનો ઉકેલ મળી જ જાય. આ તો થઈ આપણા વ્યવસાયની વાત પણ પરિવારમાં પણ આ ધીરજનો ગુણ હોઈ તો પરિવારને જોડી રાખવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાઈ છે. ખાસ કરીને સંયુક્ત પરિવારમાં એકબીજા પ્રત્યે વિશ્વાસની સાથે સંબધો નિભાવવા ધીરજ પણ જોઈએ.
આજની પેઢીને બધું તાત્કાલિક (instant) જોઈએ છે પણ ક્યાંય ગ્યા ભેગા લાડવા ખાવા ના મળે તેની જેમ જીવનમાં પણ બધું તરત નથી મળી જતું. સંબધો નિભાવવા પડે, એકબીજાનું માન રાખવું પડે, નમ્રતા જાળવવી પડે, એક બીજાને સુખ દુઃખમાં સંભળવા પડે, એક બીજાને નીચે ના પડતા એકબીજાની ઉન્નતિ અને પ્રગતિમા સહાય કરવી પડે પછી જ બધું પ્રાપ્ત થાઈ.
અત્યારે જે છૂટાછેડા થઈ રહ્યા છે તેમાં ધીરજનો અભાવ એક મોટું કારણ છે. વસ્તુ હોઈ સંબંધ હોઈ કે પછી મિત્રતા હોઈ બધામાં વિશ્વાસની સાથે થોડી ધીરજ જોઈએ. એક બાળકને પણ દુનિયામાં આવવા માટે નવ મહિના ધીરજ રાખવી પડે છે. ઘણી વખત આપણું કાર્ય પૂરું થવાની આરે જ હોઈ છે પણ આપણી અંદર તે પૂરું થવાની રાહ જોવાની ધીરજ નથી હોતી અને એ ધીરજહીનતા નાં કારણે આપણે બનતા કામ બગાડી નાખીએ છીએ કે અધૂરા મૂકી દઈએ છે. સૂરજને ઉગવા માટે રાત પસાર થાઈ તેની રાહ જોવી પડે છે, પૂનમના ચાંદને પણ શોળે કળાએ ખીલવા માટે મહિનાની રાહ જોવી પડે છે. બધું કામ એના સમયે જ થાઈ છે, ખોટી ઉતાવળથી કામ બનતા નથી પણ ઉલ્ટાનું બગડે છે. આથી ચોક્કસ વિચારજો મિત્રો કે આ ધીરજ નામનો અમૂલ્ય ગુણનો આપણામાં તો અભાવ નથીને???
તો ચાલો ત્યારે ફરી મળીએ ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏






ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો