ખુશહાલ જીવનની ચાવી.../The key to a happy life ...
ૐ
ખુશહાલ જીવનની ચાવી / The key to a happy life
બધાને ખુશહાલ જિંદગી જોઈએ છે પણ પ્રયત્ન કોઈએ કરવો નથી. આપણે બધાને જાદુની છળી જોઈએ છે કે જે ફેરવતા બધું સરસ થઈ જાઈ. પણ હકીકત એ છે કે એવી જાદુઈ છળી છે જ નહી. કોશિશ કરવી એજ આપણા હાથમાં છે.આજ કાલ પાતળા થવાની અને તંદુરસ્ત રહેવાની હરીફાઈઓ ચાલી છે. પહેલા ક્યારેય નોહતા એટલા આજ જિમ છે. પહેલા ક્યારેય નોહતી એટલી ખાવાની વસ્તુઓ પોષ્ટિક છે કે નહી તેના વિશેની માહિતી છે. લોકો પોતાની તંદુરસ્તીને લઈને ખૂબ જાગૃત બન્યા છે. આજ આ સુપર ફૂડનું અને પાતળા થવાની દવાઓનું ખૂબ મોટું વેપારીક બજાર છે.
બધાએ પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખવું જ જોઈએ. "પહેલું સુખ તે જાતે નર્યા " આ કહેવત આપણે વર્ષોથી સાંભળીએ છીએ અને સાચી જ વાત છે કે તંદુરસ્તી વગરની સંપત્તિ વળી શું કામની. કરોડોપતિ હોઈએ અને થાળીમાં કાજુનો મેસુબ પીરસાઈને ખાઈ ના શકીએ ડાયાબિટીસના (મધુપ્રમેહ ) કારણે તો શું કામનું?? આથી તંદુરસ્તીનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. આથી કસરત કરવી ખૂબ જરૂરી છે પણ સાથે સાથે યોગ્ય આહાર લેવો પણ ખૂબ જરૂરી છે. સીતેર ટકા યોગ્ય પોષ્ટિક આહાર કામ કરે છે અને ત્રીસ ટકા કસરત કામ કરે છે પણ આ બંનેને સો ટકા કામ આપણું મન અને બુદ્ધિ કરાવે છે આથી મનને ઉત્સાહિત કરવું ખૂબ જરૂરી છે અને મનને ઉત્સાહિત કરવા માટે તેને પણ ધ્યાનનો ખોરાક આપવો પડે છે.
આપણે ખૂબ પ્રયત્ન કરીએ છતાં વજન ઓછું જ નથી થતું અને ભૂખ્યા રહીને કસરત કરીને ઓછું કરી પણ લઈએ તો થોડા સમય પછી હતું ત્યાંને ત્યાં. આપણે ઉલ્ટુ કામ કરીએ છીએ. આપણે પહેલા મનને વશ કર્યા વગર બીજા કામ કરીએ છીએ. સૌવથી પહેલા મનને વશ કરી લઈએ તો વજન તો શું જિંદગીમાં બધું જ મેળવી શકીએ છીએ. આથી ધ્યાન, કસરત અને ખોરાક ત્રણેય ત્રિપુટી ભેગી થાઈ તો જ ધારેલું પરિણામ મળે છે અને તે કાયમી ટકી પણ રહે છે. આથી મનની દરકાર પહેલા કરવી.
ધ્યાન સૌવથી ઉત્તમ દવા મન માટે છે. આપણી જેટલી ઉંમર હોઈ તેટલી મીનીટ ધ્યાન કરવું જોઈએ, એટલે કે જો તમે 10 વર્ષના હોવ તો દસ મીનીટ, 20 વર્ષના હોવ તો 20 મીનીટ અને 77 વર્ષના હોવ તો 77 મીનીટ ધ્યાન કરવું. તમને બીજું કાંઈ ના આવડે તો ખાલી આંખો બંધ કરી તમારા શ્વાસ જે અંદર અને બહાર જાય તેને જોવો, અનુભવો, કેવો અવાજ આવે છે એ સાંભળો. આવી રીતે શરૂઆત કરો. પહેલા થોડીવાર પાંચ દસ મીનીટથી ચાલુ કરો પછી સમય વધારતા જાવ જો કે પછી તમારે સમય વધારવો નહી પડે, એ એની મેળે જ થતું જશે. પણ ખૂબ જ ધીરજ રાખી કરવાનું. પહેલા થોડા દિવસો તમને અઘરું લાગે પણ પછી એક આનંદ આવશે.
ધ્યાન કર્યા પછી થોડી કસરત કરવી. બધા કાંઈ જીમમાં ના જઈ શકે પરંતુ હળવી કસરત કરવી. તમને ગમે તો સાદા યોગા કરો, સૂર્યનમાસ્કર કરો, આની અંદર યોગાના બાર આસનો આવી જાય. પ્રાણાયામ કરો. બીજી કસરત જે તમારા શરીરને અનુકૂળ આવે તેવી રીતે કરવી. શરીરના સ્નાયુઓને મજબૂત બનાવવાની કસરત ખાસ કરવી. હલકો હલકો વજન ઉપાડવો વગેરે.
સાથે સાથે યોગ્ય આહાર લેવો. વર્તમાનમાં જીવવું અને જે કામ કરવું તેમાં 99.9 ટકા તનથી મનથી હાજરી દેવી અને પૂરી તૈયારી સાથે કામ કરવું પછી ભલે તે ઘરનું હોઈ કે આપણી નોકરી ધંધાનું. સારા પુસ્તકોનું, લેખોનું વાંચન કરવું. દરરોજ પોતાની માટે અડધી કલાક કાઢો તેમાં તમારી મનગમતી પ્રવૃત્તિ કરો. ચિંતા જેવું કાંઈ હોઈ તો ચોક્કસ વિચારો પછી જુઓ કે એ પરિસ્થિતિમાં તમે શું કરી શકો છો, તમારાથી કાંઈ થાઈ એમ છે તો ચિંતા કરવાનું કારણ નથી અને જો તમે એમાં કાંઈ જ કરી શકો તેમ નથી અથવા આપણે કાંઈ બદલી શકીએ એમ નથી તો તો જરાય ચિંતા કરવા જેવી છે જ નઈ. મારાં મતે આ સુખી જીવનની, ખુશહાલ જીવન જીવવાની ચાવી ચાવી છે.
બાકી તો જે છે એ છે જ. બીજાને બદલવા જશો તો ખૂબ સમય બરબાદ થશે પરંતુ પોતાને જો થોડા બદલશો તો બીજા તમને બદલેલા જ લાગશે. બરોબર ને મિત્રો!!!
તમારા મતે ખુશહાલ જીવન એટલે શું એ કમેન્ટમાં ચોક્કસ જણાવશો. તો ચાલો ફરી મળીએ ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો