થોડી જૂની યાદો તાજી કરીએ / Let's refresh some old memories
🕉
થોડી જૂની યાદો તાજી કરીએ
80ના દાયકા પહેલા જન્મેલા, આપણે ક્યારેય વિચાર્યું પણ નોહતું કે આવો મોબાઇલ ફોનનો ઝમાનો આવશે. લગભગ હું છ કે સાત વર્ષની હતી ત્યારે અમારા ઘરે ટીવી, વિડિઓ, ફ્રિજ અને પેલો જુનવાણી લાલ નંબર ડાયલ કરીએ ત્યારે ફોન લાગે એ લાલ ડબલાવાળો ફોન આવ્યો.
નવી ટેકનોલોજી હતી અને એમાં વળી આપણે નાના બાળકો, ખૂબ કુતુંહલ, ઘણા પ્રશ્ન. અમારા ઘરે ટીવી આવ્યું તે પહેલા આખા લતામાં એક જ ઘરે ટીવી અને વિડિઓ. સાંજે બધા આખી શેરીના બાળકો તે ઉદાર પાડોશીના ઘરે ટીવી જોવા જતા. તેમની ઓસરી ખૂબ મોટી એટલે બધા ખીચોમખીચીમાં બેસી જતા અને દરરોજ ટીવી નો આનંદ લેતા. એકાદ વર્ષ પાડોશીને તકલીફ આપી પછી તો ઘરમાં આવી ગ્યું. આજ પણ યાદ છે. જે આવે તે બધું જોતા. સમાચાર, ડોક્યુમેન્ટ્રી, સરિયલો, ફિલ્મો, બાળકોના કાર્યક્રમ વગેરે. સમજાય તે પણ જોતા અને ના સમજાય તો પણ જોતા. એ સમયે બહુ ઓછા કાર્યક્રમ આવતા. જોકે ચેનલ જ એક કે બે જ હતી. બાળકોના પ્રોગ્રામ તો સાવ થોડા. આજ તો ચેનલોની ભરમાળ ચાલી છે.
ત્યારે દૂરદર્શન એજ લગભગ આવતું એ પણ પેલા એન્ટનાથી ચાલે. હવામાન સારુ હોઈ તો ચોખ્ખું દેખાય અને થોડું ખરાબ હોઈ કે પવનનું એન્ટના હલી જાય તો સરખું ના દેખાઈ. એક જણું એન્ટનાની દિશા ફેરવ્યા રાખે અને સરખું દેખાય એટલે અંદર બેઠેલા બુમ પડે. એમાં વળી લાઈટ જાઈ તો તો પછી મજા ઉપર પાણી ફરી જાઈ.
આજ પણ યાદ છે, એ સમયે નુક્કડ, બુનિયાદ, યે જો હે જિંદગી, એવી સિરિયલો આવતી. બાળકો માટે હિન્દી માં થોડા કાર્યક્રમ આવતા, પોટલી બાબા કી, વિક્રમ વેતાળ, અકબર બીરબલ ને એવી બધી. ચિત્રહાર સવારે આઠ વાગ્યે રવિવારે અને લગભગ બુધવારે સાંજે આઠ વાગ્યે આવતું. એની માટે તો રાહ જોઈએ. એનીયે મજા હતી.
સવારની નિશાળ હોઈ તો બપોરે ટ્યૂશન અને બપોરની નિશાળ હોઈ તો સવારે ટ્યૂશન કરીએ બાકી સાંજનો પાંચ વાગ્યાં પછી શેરીમાં મિત્રો સાથે રમવાનો સમય. મમ્મી ગમે તેટલી બુમ પાડે પણ સાત વાગ્યાં પછી જ ઘરમાં ગરવાનું, એ પણ આપણો ટીવી માં કોઈ કાર્યક્રમ આવવાનો હોઈ તો બાકી તો આઠ વાગ્યે સીધા અંદર જઈ હાથપગ ધોઈ જમીને ટીવી જોવાનું. એ સમયે મમ્મી બહુ (homework) ઘરકામ કરવાનું ના કહેતી. અરે ઘરકામ જ ઓછું મળતું. ટીવી ની બાજુમાં તો મમ્મી બેસવા પણ ના દયે છેક દૂર બેસાડે કહે કે આંખો બગડે. એનીયે મજા હતી.
પછી ચાલુ થઇ રામાયણ ટીવી સિરિયલ. શું સમય હતો એ, બધાને એકસામાન બનાવી દીધા. ઘરના બધા સભ્યો એક સાથે બેસીને આખો એપિસોડ જોવે. ઘરે કામ કરતા નોકરચાકર બધા બેસી જાય બધું કામ મૂકીને રામાયણ જોવા. મહાભારત એ પછી આવ્યું પણ એય ખૂબ લોકપ્રિય થયું હતું. સેટેલાઇટ આવતા ઝી ટીવી ( zee tv) ની શરૂઆત થઇ લગભગ 1989/90 માં થઇ અને એ પછી સ્ટાર ટીવી ને એ બધા.
પણ આ બધું ખૂબ સરસ હતું. અત્યારે આ બધું યાદ કરીએ તો આજની આ આધુનિક ટીવી, જે દીવાલમાં જ ચોંટી જાય, ચાલુ કરો એટલે શું જોવું અને શું ના જોવું, અમુક ચેનલોને તો તાળા મારવા પડે નહીંતર બાળકો માટે સારી નહી અથવા આખો પરિવાર સાથે બેસીને જોઈ પણ ના શકે એવી ચેનલ આવી જાય એટલે ધ્યાન રાખવું પડે. જોકે અત્યારે આ નાનકડા મોબાઈલ ફોનમાં જ દુનિયા સામેટાઇ ગઈ છે અને લગભગ અત્યારે દરેક પંદર વર્ષની ઉપરના બાળકો પાસે મોબાઈલ છેજ. આથી બધા પોતાના ફોન ઉપર બેસીને પોતપોતાના રૂમોમાં જોતા થઇ ગયા છે.
પણ આજની આ પેઢીને એ શેરીઓની રમતો, લંગડી, થપો, ઉઠલી બેઠલી, ધમાલિયો ધોકો, ટમેટું રે ટમેટું, ખો-ખો વગેરે ચિત્રો કે ચોપડીઓમાં જ જોવાની. આજ બાળકો નાનકડા ફોનમાં કે બીજા ડિવાઇસ ( લેપટોપ, કોમ્પ્યુટર, આઈપેડ વગેરે ) માં પુરાઈને રહી ગયા છે.
આજ બાળકોની સામે દરેક વસ્તુની હરીફાઈઓ છે. અત્યારે તેઓને જોતા લાગે કે આપણે જે બાળપણ જીવ્યા તેની વાતો જ સાંભળવાની રહી. પણ હું ચોક્કસ કહીશ મિત્રો!! કે આપણી આજની પેઢીને આપણી એ અલગારી આનંદ વિશે વાતો ચોક્કસ કરજો. કુદરતના ખોળામાં સમય પસાર કરવાનો અવસર ચોક્કસ આપજો.
તો ચાલો મિત્રો સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો. ફરી મળીયે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏










Old is gold 👍🏻
જવાબ આપોકાઢી નાખો