બાળપણનો રવિવાર એટલે થાકવાનો રવિવાર અને અત્યારનો રવિવાર એટલે થાક ઉતારવાનો રવિવાર
ૐ
બાળપણનો રવિવાર એટલે થાકવાનો રવિવાર અને અત્યારનો રવિવાર એટલે થાક ઉતારવાનો રવિવાર
આજ પણ યાદ છે એ બાળપણના સોનેરી દિવસો. ખૂબ મજા કરતા. ભાઈ બેન સાથે, નિશાળના મિત્રો સાથે, ગલીના મિત્રો સાથે. એ બિંદાસ બાળપણની મજા જ કઈંક ઓર હતી.
એમાંય ભરતદેશમાં વિતાવેલું બાળપણ. એ ગલિયોમાં રમવાનું, એ બસમાં નિશાળે જવાનું, દરરોજ નિશાળે તો જવાનું જ પણ દરરોજ ટ્યૂશનમાં પણ જવાનું, એ નાના મોટા તહેવારો ઉજવવાની મજા, એ પહેલા વરસાદમાં ધરતીની મીઠી મીઠી એ સુગંધ, અગાસીના ભૂંગળામાંથી પડતા પાણીમાં મિત્રો સાથે નહાવું, સાતમ આઠમના મેળાની મજા,
દિવાળી ઉપર આખી ગલીના બધા ભેગા થઈને કરાતી રંગોળી અને અડધી રાત સુધી ફટાકડા ફોડવાની મજા, શેરીમાંથી જે નાના મોટા નીકળે એ બધાને હોળીના રંગો ઉડાડવા, આખા ઉનાળાના વેકેશનમાં મામાના ગામડે નાની પાસે રમવાની, નવી નવી પૌરાણિક વાર્તાઓ સાંભળવાની મજા અને બસ મજા મજા ને મજા જ હતી એ દિવસોમાં.સમય સાથે બધું બદલાતું જાય છે અને સમયના વહેણમાં જીવન વહેતુ જાય છે. બાળપણ, જુવાની, પ્રોઢાવસ્થા અને ઘડપણ બધું ક્રમસર આવતું જાય છે. રોજ દિવસ કંઈને કંઈ શિખામણ અને બોધ આપીને જ જાય છે. આપણી પાસે જ અત્યારે એ સમજવાનો અને એને સાંભળવાનો સમય નથી. ફક્ત યાદ કરીને જ એટલી મજા આવે તો એવું જીવન જીવતા ત્યારે તો શું કહેવું? જોકે તોફાન કરતા તો મમ્મીના એ પ્રેમભર્યા માર સાથે મનપસંદ ખાવાનું પણ મળતું.
અત્યારની ખબર નથી પણ 80 માં અમારે શનિવારે પણ અડધો દિવસ નિશાળે જવું પડતું. અમારે રવિવારની જ રજા હતી. પણ એમાં એ એટલી મજા કરતા કે થાકી જવાતું. તોયે સોમવારે માથાકૂટ કરતા ઉઠીને નિશાળે તો જયે એજ મોજ સાથે. ત્યારે ક્યારેય મમ્મીને પૂછ્યું નહોતું કે હવે રજાઓ ક્યારેય પડશે કારણ કે ભારતમાં દરેક તહેવારોની રજાઓ પડતી.
ઉતરાણની, ગણતંત્ર દિવસની, પંદરમી ઓગસ્ટની, વસંતપંચમી, ગુરુપૂર્ણિમાની, હોળીની, સાતમઆઠમની, ઈદની, નાતાલની, દિવાળીનું વેકેશન, ઉનાળાનું વેકેશન અને બીજી પણ ઘણી રજાઓ આવતી. ખૂબ ખૂબ મજાઓ કરતા ખૂબ થાકીયે જતા પણ ક્યારેય એમ નહોતું કીધું કે આજ થાક ઉતારવાનો દિવસ છે. એટલે જ બાળપણના એ બિંદાસ દિવસોને સોનેરી સમય કહીએ છીએ.
સોનુ ભેગું કર્યુ હોઈ તો તકલીફના દિવસોમાં કામ લાગે એ જ રીતે જિંદગીના ધૂપછાવ ભર્યા દિવસોમાં, ક્યારેક નિરાશાભર્યા દિવસોમાં આ સુખદ સોનેરી દિવસો યાદ કરતા નવી તાજગી મનમાં ભરાઈ જાય છે. એ મિત્રોને યાદ કરતા એક હાસ્ય ચહેરા ઉપર આવી જાય છે. આભાર આ ટેક્નોલોજીનો કે એ જુના મિત્રો ફરી આટલા વર્ષે પણ મળી ગ્યા. સાથે નહી તો કંઈ નહી પણ દુનિયાના ખૂણેથી પણ મળી ગયા.
આજ હવે થાક ચડાવવાનો નહી પણ રવિવારે આખા અઠવાડિયાનો થાક ઉતારવાનો દિવસ હોઈ છે. ક્યારેક નહી હંમેશા એ જ વરસાદ છે, એજ તહેવારો છે અને એજ હું છું પણ ચોક્કસ કઈંક બદલાયું છે કે ફરીથી એ બિંદાસ બાળપણ જેવું ઘડપણ જીવાતું નથી........બાળપણ વિશેના તમારા વિચારો ચોક્કસ કહેશો...
તો ચાલો મિત્રો ફરી મળ્યે ત્યાં સુધી બધા જ આજને સુંદર બનાવજો કે જેથી ભવિષ્યમાં યાદ કરીએ તો મુખ ઉપર સુંદર હાસ્ય આવી જાય. બધા ખુબ સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો અને કોરાનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏











Mast vat che
જવાબ આપોકાઢી નાખો