કોઈનો પગ નહી એનો હાથ ખેંચો / Pull someone's hand, not their foot
ૐ
કોઈનો પગ નહી એનો હાથ ખેંચો / Pull someone's hand, not their foot
આપણો માનવ સ્વભાવ કેટલો વિચિત્ર છે આપણને હંમેશા બીજાની ખૂબીઓ કરતા ખામીઓ જલ્દી દેખાઈ આવે છે. કોઈને આપણી મદદની જરૂર હોઈ ત્યારે તેને સલાહ આપીએ છીએ. ઘણા એવા સ્વાભિમાની માણસો હોઈ છે કે જે પોતાની તકલીફ કહેશે પણ નહી અને મદદ પણ નહી માંગે. પણ આવા માણસો જો આપણા મિત્ર મંડળમાં હોઈ અને જો તમને એના વિશે જાણ હોઈ તો એની મદદ ચોક્કસ કરજો.
આપણા પરિવારમાં, સગા સંબધીઓમાં કે આપણે જ્યાં કામ કરતા હોઈ ત્યાં કોઈ પણ મદદ માંગવા આવે કે તમને ઈશ્વરે કોઈની મદદ કરવાને કાબિલ બનાવ્યા હોઈ તો ચોક્કસ એમની મદદ કરજો. ઘણી વખત એવું પણ બને કે જેને આપણે મદદ કરી હોઈ એજ આપણને આગળ જતા તકલીફ આપે છે પણ ત્યારે હંમેશા યાદ રાખો કે માણસ એમના સ્વાભાવ પ્રમાણે વર્તન કરે છે. ક્યારેક સમય, તો ક્યારેક સંજોગો અને ક્યારેક માણસની મજબૂરી એને જીવનના રંગો બતાવે છે. હંમેશા એકબીજાની મદદ કરવાથી બધાનો ફાયદો થાઈ છે પરંતુ સ્વાર્થી બની પોતાનું ભલું કરશો અને બીજાનું નુકસાન કરશો તો કદાચ એ વ્યક્તિ તો માફ કરી દેશે પણ કુદરતનો ન્યાય નહી બચાવે.
આ સમાજમાં બધા પોતાનાથી બનતી એકબીજાની મદદ કરે તો આ સમાજમાં કોઈ દુઃખી જ ના રહે. અત્યારે આ કોરોનાના સંકટમાં ઘણા એવા છે જેમની નોકરી ચાલી ગઈ, નાના મોટા ધંધા વાળાના ધંધા બંધ થઈ ગયા. લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ તકલીફ ખાલી વિકસિત દેશોમાં જ નહી પણ ઇંગ્લેન્ડ અમેરિકા જેવા દેશોમાં પણ છે. આ દેશોમાં માણસોને ભૂખે નથી રહેવું પડતું. દેશ નાના છે અને વસ્તી ઓછી હોવાથી સરકાર મદદ કરી શકે છે. પરંતુ ભારત અને એના જેવા બીજા દેશોમાં બિચારા એક ગરીબ વર્ગ છે જે રોજ કમાઈ ને રોજ ખાઈ છે. આવો મજુર વર્ગ માટે આ કપરા સમયમાં ટકવું અઘરું છે. અમીર ગરીબ બધા જ આ સમાજનો હિસ્સો છે અને બંનેએ એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ. બંનેએ એકબીજાની મદદ કરવી જોઈએ.
આજ બધાને પૈસાની તંગી છે. આપણે મોટા કામ ના કરીએ તો કાંઈ નહી પરંતુ આપણા ઘરમાં કામ કરતા નોકર અને તેના એક પરિવાર ને આ કપરા સમયમાં આર્થિક મદદ કરી સંભાળી લઈએ તો એ જ નોકર એના માલીકને જિંદગીભર સંભાળી લેશે. દરેક પૈસા વાળા, મધ્યમ વર્ગ બધાએ એક એક ગરીબ પરિવાર સાચવી લેવાનો. અને જો તમે કરોડોપતિ કે અબજોપતિ હોવ તો પાંચ ગામના ગરીબોને સંભાળી શકો. તમારી મિલમાં, કારખાનામાં, દુકાનમાં, ખેતરમાં, ઘરમાં કામ કરતા તમારા નોકર, સાથીઓ, મજૂરોને તમારાથી બનતી મદદ કરશો તો સમાજમાં બધા આગળ આવશે
દરેક જીવનજરૂરિયાતનો સામાન વહેંચવા વાળા વેપારી વર્ગને એક વિનંતી છે કે આ મજબૂરીના સમયનો ફાયદો નહી ઉઠાવતા આજનો ફાયદો ગરીબોના નિસાસા ઉપર હશે જે આગળ જતા વ્યાજ સહીત વસુલ કરશે માટે જે વ્યાજબી હોઈ એ રીતે વર્તી ઈમાનદારી દાખવજો. જો તમે પૈસાદાર હોવ તો જે કિંમત હોઈ એના કરતા વધારે પૈસા આપી તેમની મદદ કરજો અને કહેજો કે ગરીબ પાસેથી ઓછા પૈસા લેજો. આમ મદદ કરશો તો માનવતાની સેવા કરી કહેવાશે અને લક્ષ્મીનારાયણ જ દરિદ્રનારાયણ પણ છે એ ભૂલતા નહી.
કોને ખબર કે ઈશ્વરે ફરીથી માનવતાનો સંદેશ આપવા અને સમજાવવા આ કોરોના દુનિયામાં મોકલ્યો હોઈ???? તો બધાને એક જ વિનંતી કે કોઈની મદદ કરવા માટે તેનો હાથ જાલજો એનાથી ઉલ્ટુ પગ ખેંચી પછાડશો નહી. બાકી બધા ખૂબ સમજદાર છો!!!!
ચાલો ત્યારે ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો, એક બીજાની મદદ કરો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો