ઘણું છે ચારે બાજુ, તમે શું જુઓ છો એ તમારી ઉપર છે..../ There is a lot all around, what you see is up to you....

 

ઘણું છે ચારે બાજુ, તમે શું જુઓ છો એ તમારી ઉપર છે..../ There is a lot all around, what you see is up to you....

કહેવાય છેને કે જેવી દ્રષ્ટિ એવી આપણી શ્રુષ્ટિ. આપણને પરમપિતા પરમેશ્વરે ખૂબ જ ખાસ અને શક્તિશાળી બનાવીયા છે. એ અલગ વાત છે કે આપણે આપણી જાતને કેવી રીતે જોઈએ છે. બધો ખેલ આપણા મનનો છે. આપણી આજુબાજુ ઘણું બધું બની રહ્યું છે, ઘણું બધું ચાલી રહ્યું છે. એમાં ઘણું સકારાત્મક હોઈ છે અને ઘણું નકારાત્મક હોઈ છે, પણ એ સારુ છે કે ખરાબ એ આપણી જોવાની દ્રષ્ટિ ઉપર છે. એક જ પરિસ્થિતિ કોઈ એક માટે સારી અને કોઈ બીજા માટે ખરાબ હોઈ શકે છે.

જ્યારે આપણે દસમામાં ભણતા ત્યારે ગુજરાતીમાં એક પાઠ ભણવામાં આવતો ટાઇટલ હતું, " તમને તો ગમીને!!!" આ પાઠની જે નાયીકા હતી એ થોડી શ્યામવર્ણની હતી પરંતુ લેખકે એનું જે વર્ણન કર્યુ હતું તેં અદ્ભૂત હતું અને એમાં પણ જયારે અમારા શિક્ષિકા તારાબેન એ પાઠ સમજાવતા અને તેનું વર્ણન કરતા ત્યારે થતું કે વાહ!!! એ સુંદર નાયીકા કેટલી સુંદર હશે?? પણ એજ શ્યામવર્ણને પાઠના નાયકના પરિવારજનો કહેતા કે, " છોકરો તો રૂપ જેવો અને છોકરી જુઓ તો કાગડો દહીંથારુ લઈ ગ્યો " પણ નાયકની અને તેના પરિવારની, એક જ છોકરી, પણ જોવાની દ્રષ્ટિ જુદી હતી. એક રૂપ જોતું હતું અને એક એના ગુણ અને નમણાસ જોતું હતું. ઘણા માટે પ્રકૃતિમાં હરવું ફરવું ખૂબ જ શાંતિ આપનારું હોઈ પણ એજ પ્રકૃતિ બીજાની નજરે જીવજંતુઓથી ભરેલું અક જંગલ લાગે છે. જેવી રીતે કોઈને કમળાની બીમારી થઈ હોઈ તો એની નજર જ પીળી પડી ગઈ હોઈ છે એટલે એને બધું પીળું જ દેખાઈ છે.

પરંતુ પ્રશ્ન એ છે કે સુખી થવા માટે કેવી દ્રષ્ટિ કેળવવી જોઈએ?? આપણે જેવી દ્રષ્ટિ કેળવીએ એવી જ આપણી આસપાસની આપણી દુનિયા બને છે. સકારાત્મક નજરથી જોશો તો દુઃખમાં પણ સુખ અને શાન્તિનો અનુભવ કરશો અને આનંદમાં રહેશો. પરંતુ બધામાં શંકાની દ્રષ્ટિથી કે નકારાત્મક દ્રષ્ટિથી જોશો તો સારી પરિસ્થિતિમાં પણ કંઈ ને કંઈ ખામી દેખાશે જ. એટલે હંમેશા કોઈ પણ પરિસ્થિતિ હોઈ કે પછી કોઈ સમસ્યા હોઈ તો ત્યારે એનું મૂલ્યાંકન આપણે આપણી સમજ પ્રમાણે કરીએ છીએ.

આપણે નાના હોઈ ત્યારે આપણને ખબર નથી હોતી કે શું સકારાત્મક છે? કોને નકારાત્મક કહેવાય?? આવી બાબત આપણા સમયમાં શાળામાં પણ ન ભણાવતા. જોકે આ દ્રષ્ટિ કેળવવાની કળા બાળપણથી જ બાળકોને શીખવવી જોઈએ. જોકે પહેલા જિંદગીમાં આટલી દોડધામ પણ નોહતી પરંતુ આજ બધું બદલાઈ ગયું છે એટલે મન શાંત, સકારાત્મક અને સ્વસ્થ હોવુ ખૂબ જરૂરી છે. જો એવું હશે તો એની દ્રષ્ટિ પણ સુંદર હશે અને એની સૃષ્ટિ પણ અને એવી દ્રષ્ટિ કેળવવા માટે હંમેશા અભ્યાસ કરતું રહેવું પડશે. આપણા મનને સતત સકારાત્મક વલણ રાખવાનું સમજાવવું  પડશે, વિચારોને શુદ્ધ રાખવા પડશે અને આ કાર્ય સતત કરતા રહેવાથી આપણને ફાયદો જણાશે અને જયારે ફાયદો થતો જોશું એટલે પછી દ્રષ્ટિ એની મેળે જ કેળવાતી જશે. બરોબરને મિત્રો!!!!

તમે શું કહો છો આ વિશે ?? ચોક્કસ જણાવશો. તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day