જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!

 

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!

આ દુનિયા ઈશ્વરની પાઠશાળા છે અને આપણે અહીંયા શીખવા માટે જ મોકલવામાં આવે છે. કોઈ એમ કહે કે મને બધું આવડે છે ને હું બધું જાણું છું. તો હું કહીશ કે એ વ્યક્તિ જેવું અજ્ઞાની અને અબુધ કોઈ નથી. આપણે ક્યારેય એમ ના કહી શકીએ કે મેં બધું જ શીખી લીધું છે કે હું બધું જ જાણું છું. જ્ઞાન તો દરિયા જેટલું વિશાળ છે. આપણે તો ફક્ત ને ફક્ત અમુક ઘૂંટડા જ આપણા જીવનકાળ દરમિયાન પિયે છે.

આપણી ચારે બાજુ જ્ઞાન ફેલાયેલું છે. એમાં ઘણું સારુ છે અને ઘણું ખરાબ પણ છે. આપણે આપણી દ્રષ્ટિને એવી રીતે કેળવવાની છે કે તે ખરાબ પરિસ્થિતિમાં પણ સકારાત્મક રહી શકે અને મન, બુદ્ધિ ને સ્થિર રાખી ખરાબ પરિસ્થિતિમાં પણ કંઈને કંઈ તક શોધી લ્યે. આપણે બધા જ ભણવા માટે નિશાળમાં, કોલેજમાં, યુનિવર્સિટીમાં અને મોટી પદવીઓ મેળવવા માટે વિદેશોમાં ભણવા જઈએ છીએ. આ બધા જ પુસ્તકીયું જ્ઞાન મેળવવાની પાઠશાળાઓ છે અને જેને મેળવવું ખૂબ જરૂરી છે. આ પુસ્તકીયા જ્ઞાનથી આપણે કેવી રીતે પૈસા કમાઈ શકીએ તે તો શીખી જઈએ છીએ પણ તેનો ઉપયોગ ક્યાં અને કઈ રીતે કરવો તેની માટે સદબુદ્ધિ અને અનુભવનું શિક્ષણ અને જ્ઞાન હશે તો જ સમજાશે.

આપણે જીવનના ઓછામાં ઓછા વીસ વર્ષ તો આ પુસ્તકના જ્ઞાન મેળવવા પાછળ જ પસાર કરીએ છીએ. એ કરવું પણ જરૂરી છે પણ સાથે સાથે શીખેલા જ્ઞાનનો ઉપયોગ કરવો અથવા એની સાથે સાથે બીજી પણ ઘણી બધી વસ્તુઓ જીવનમાં શીખવા મળતી હોઈ તો એ પણ ચોક્કસ શીખતું જવું. તમે જેના વિશે ભણતા હોઈ તેના વિશે ઊંડાણથી સંશોધન કરવું, તેને લાગતા કામનો અનુભવ મેળવવો, એની માટે ભલે મફત સેવા આપવી પડે તો પણ એ અનુભવ મેળવવો. જે વસ્તુ આપણે જાત અનુભવથી શીખીએ તે  વસ્તુ આપણને દુનિયાનો કોઈ શિક્ષક શીખવી ના શકે. આથી તો કહેવાઈ છે ને કે, અનુભવ જ જીવનનો શ્રેષ્ઠ શિક્ષક છે.

ઇતિહાસમાં અને વર્તમાનમાં તમને એવા ઘણા અબજોપતિ લોકો જોવા મળશે કે જેમની પાસે પુસ્તકીયા જ્ઞાનની કોઈ ખાસ ડિગ્રી નથી પણ તેઓ આજ એના ક્ષેત્રમાં ખૂબ જ સફળ છે. આ બધાએ નિશાળના જ્ઞાનની સાથે સાથે અનુભવનું જ્ઞાન અને કંઈક કરવાની ધગસ અને ઉત્સાહથી ખૂબ આગળ નીકળી ગ્યા. આજના ઝમાનામાં શિક્ષણ ખૂબ મહત્વનું છે હોવુંજ જોઈએ પણ સાથે સાથે જીવનમાં જે કંઈ શીખવાની તક મળે તો એને ઝડપી જ લેવી કોને ખબર કે એ જે શીખેલું છે તે ક્યાં કામ લાગી   જાય!!!! કોઈ દિવસ શીખેલું બેકાર નથી જતું, એ ગમે ત્યાં અને ગમે ત્યારે કામ લાગી શકે છે. હંમેશા કઈંક નવું શીખવાની, જાણવાની અને જોવાની નજર રાખવી.

તો મિત્રો હંમેશા યાદ રાખો કે જીંદગીમાં જે કંઈ શીખીએ તે અને અનુભવ દ્વારા જીંદગી જે શીખવાડે તેને શીખવા હંમેશા તૈયાર અને તત્પર રહેવું. આપણને કોઈને નથી ખબર કે જીંદગીના આગલા વણાંક આગળ શું છે? અને ત્યાં કઈ શીખ અને ક્યું જ્ઞાન કામ લાગી જાય!!!!!!

ચોક્કસ વિચારજો અને શીખવા પ્રત્યે એક નવી સકારાત્મક દ્રષ્ટિ કેળવજો. જીવનમાં કંઈ સરળ નથી અને સરળતાથી મળતું પણ નથી અને જે સરળતાથી મળે તેની કિંમત પણ આપણે ઓછી જ આંકીએ. આથી જ્ઞાન પ્રાપ્તીની બાબતમાં હંમેશા આંખો, મન, કાન બધું ખુલ્લું રાખો અને ખૂબ મહેનત કરો. જીવનમાં બધું જ શક્ય છે. 

તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી ને હંમેશા બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....