મોત એક જ વાર મળે છે બાકી જીંદગી તો દરરોજ મળે છે..../ Death is found only once, the rest of life is found every day
ૐ
મોત એક જ વાર મળે છે બાકી જીંદગી તો દરરોજ મળે છે..../ Death is found only once, the rest of life is found every day
આપણે મનુષ્યો હંમેશા ભાગતા જ રહીએ છે ક્યારેક પૈસાની પાછળ તો ક્યારેક સંબંધોની પાછળ તો ક્યારેક ખબર વગરના કે આપણે શું જોઈએ છે.... દરરોજ દિવસ ઉગે છે અને આથમે છે પણ ક્યારેય ગંભીરતા પૂર્વક વિચારતા નથી કે આજના દિવસમાં આપણે કેટલું જીવ્યા??? ક્યારેક આપણે ખુશ હોઈએ છે, ક્યારેક દુઃખી તો ક્યારેક થાકેલા દરરોજ સાંજે ઘરે આવીએને બસ એક કપડાંનું પોટલું નીચે પડે તેમ બેસી જઈએ. બસ આમને આમ જીંદગી ક્યારે પૂરી થઈ જાય તેની ખબર જ નથી પડતી.
જોકે નાનકડા હોઈએ ત્યારે આપણને આવા વિચારો નથી આવતા. અરે જુવાનીમાં પણ નથી આવતા પણ જ્યારે આપણે આપણી જવાબદારીઓમાંથી થોડા મુક્ત થવા લાગ્યે ત્યારે આપણે એ વિશે થોડું વિચારીએ છે.
નાનકડા હોઈએ ત્યારે કદાચ જવાબદારી વગરના અને રમતીયાળ હોવાને લીધે નથી વિચારતા. જુવાનીમાં ખૂબ જોશમાં તો હોઈએ પરંતુ કઈંક કરવું છે, કઈંક મેળવવું છે, કઈંક જોઈએ છે આ બધાની દોડમાં અને ધીરે ધીરે વધતી જવાબદારીઓના ભારથી એટલા દબાઈ જઈએ છે કે જીંદગી શું છે? આપણે શું કરી રહ્યા છે? કેવી રીતે જીવીએ છીએ? આ બધું વિચારવાનો નતો સમય મળે છે કે ના કાઢીયે છીએ. બસ બધું કાલ કરશું કાલ કરશું એની આશામાં ને આશામાં, ક્યારે મોત આવીને ઉભું રહી જાય છે તેની ખબર પણ નથી રહેતી. ત્યારે ખૂબ આજીજીઓ અને વિનંતીઓ કરવા છતાં તે આ જીંદગી જીવવાનો બીજો મોકો દેતી નથી.
આ મોત આવે છે તો એક જ વાર પણ આપણે તો દરરોજ મરતા મરતા જીવીએ છીએ. એવું નથી કે ગરીબ કે મધ્યમ માણસ જ પૈસાદાર પણ આમાં આવી જાય છે. જેને જીંદગી જીવતા આવડે તે જ સાચું છે અને જીંદગી જીવવી એ પણ એક કળા છે. મોત માટે ક્યાંય શીખવા જવાનું નથી. મરતા આવડે કે ના આવડે પણ એક દિવસ મરવું જ પડશે આથી એના વિશે ના શીખવાનું છે કે ના ડરવાનું છે કે ના વિચારવાનું છે કારણ કે મોત સાથે બધાએ એકદિવસ બધું છોડી જવાનું જ છે.
પણ હા જીવવા માટે શીખવાનું છે અને એક એક દિવસ સુંદર રીતે અને ભરપૂર રીતે જીવવાનો છે. એક જ એવી સવાર કે સાંજ હશે જ્યાં મોતની મુલાકાત થશે પણ જીંદગી જીવવા માટે તો દરરોજ સવાર પડે છે અને જો ગઈકાલ સુંદરતાથી ના જીવ્યા હોઈ તો આજ ફરીથી જીવી લેવાનો મોકો આ જીંદગી આપે છે. તો બે હાથ ફેલાવીને, પૂરી સકારાત્મકતાથી, દિલના આનંદથી અને એ દિવ્ય પરમાત્માના સ્મરણ સાથે દરરોજ સવારનું સ્વાગત કરીએ અને ભરપૂર જીંદગી જીવીએ. જે કામ કરીએ પુરા દિલથી આનંદથી અને પરમાત્માનો આભાર માનીને કરીએ. ફક્ત આપણી માટે જ નહી બધા માટે જીવીએ, બીજાને નહી તો આપણી આજુબાજુ મિત્રો, પરિવાર અને સહકાર્યકરો હોઈ એ બધાની સાથે આનંદ વહેંચીએ, હાસ્ય વહેંચીએ, સહકાર વહેંચીએ અને જીંદગીની ખુશીઓ વહેંચીએ. હા મન થાઈ તો દુઃખ પણ વહેંચીએ કારણ કે એકલા એકલા સહેવાથી અઘરું લાગે પણ કહેવાથી હળવું બને અને કોઈ ઉપાય પણ મળે.
તો મિત્રો આજથી જ નક્કી કરી લ્યો કે હવે જીવવું જ છે અને પુરા આનંદથી જીવવું છે. એક એક પળ જીવવી છે. જેની પણ સાથે હોવ, પછી સાથે પત્ની હોઈ, બાળકો હોઈ, માતાપિતા હોઈ, મિત્રો હોઈ, પોતાના કાર્યક્ષેત્રમાં સહકર્મિ મિત્રો હોઈ કે પછી આપણી પોતાની જાત જ કેમ ના હોઈ બધા સાથે સુંદરતાથી અને મજાથી જીવવું છે. અફસોસ લઈને નહી આનંદથી જીવવું છે. હંમેશા યાદ રાખજો જીંદગી જીવવા માટે શીખવાનું છે અને ભરપૂરતાથી જીવશો એટલે જયારે મોત આવશે ત્યારે તેને પણ કહી શકીએ ચાલ ભાઈ જીંદગી મોજથી જીવી છે તો તનેય આનંદથી સ્વીકારી લવ. તો જીવો ખૂબ જીવો મનમાં ભરીને નહી મન મૂકીને જીવો.
તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા ખૂબ ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
Khub saras lakhyu Ben
જવાબ આપોકાઢી નાખો