એક અનુભવ.../An experience...

 

એક અનુભવ.../An experience...

આજ જીંદગીનો એક એવો અનુભવ તમારી સાથે વહેંચવા જઈ રહી છું કે જેના વિશે વાંચીને તમને પણ થોડી હિંમત અને સકારાત્મકતા પ્રાપ્ત થશે. દુનિયામાં માણસોતો ઘણા છે પણ એજ માણસ આગળ આવે કે જેનામાં હિંમત છે અને કંઈક કરવાની ઈચ્છા છે. જે નિંદરમાં નહી પણ જાગતા રહીને સ્વપ્ન જોવે છે. જે દરરોજ સવારે ઉઠીને એમ વિચારે કે આજ મને નવો જન્મ મળ્યો છે અને મારી પાસે સારા કર્મો કરવા માટે આજનો જ દિવસ છે. આટલું નક્કી કરીને સવારે ખાટલો છોડો એટલે પછી આપણને આખો દિવસ દોડતા તો આપણી હિંમત જ રાખે છે.

આજથી થોડા દિવસો પહેલા, મારાં એક બ્લોગમાં મેં મારાં ડ્રાઇવિંગના અનુભવ વિશે વાત કરી હતી. આજનો અનુભવ મારાં કામ વિશેનો છે. લગભગ નવ વર્ષ પહેલા હું જયારે જોબ શોધતી હતી ત્યારે મારાં એક મિત્રએ મને કહ્યું કે પહેલા તારે જે કામ કરવું છે તેના વિશે અને કઈ જગ્યાએ કામ કરવું છે તે વિશે થોડો અનુભવ કરવો જોઈએ આ તારી માટે સારુ રહેશે. એની વાત સાંભળી મને પણ થયું કે વાત સાચી છે, જોઈએ તો ખરા કે આપણને કઈ જગ્યાએ, કયા વાતાવરણમાં કામ કરવાની મજા આવે. મેં મારાં ખાલી સમયમાં પહેલા ઘણા બધા કોર્સ કરીને થિયેરીકલ જ્ઞાન  તો મેળવ્યું હતું એટલે હું એજન્સી દ્વારા નક્કી કર્યુ કે જુદી જુદી જગ્યાએ અનુભવ લઈએ.

બાળકો સાથે કામ કરવું ગમતું એટલે એ ક્ષેત્ર પસંદ કર્યુ અને હું જેની રાહ જોઈતી હતી તેનો પહેલો ફોન આવ્યો કે તારે એ જગ્યાએ એક નાનકડી નર્સરીમાં જવાનું છે. જયારે મેં સરનામું જોયું તો મને થયું કે આટલામાં જ હશે. આથી હું તો ગાડી લઈ, સાથે ગૂગલમાંથી નકશો કાઢીને ચાલતી પકડી. તે વખતે મારી પાસે અત્યારે છે એવો સ્માર્ટ ફોન નોહતો. મારાં બાળકો પણ નાના હતા અને ફુલટાઈમ નિશાળે જતા. જોગનું જોગ એ સમયે પારિવારિક ઇમર્જન્સીના કારણે મારાં પતિદેવ પણ ભારતમાં હતા. પણ નર્સરીનો સમય બાળકોની શાળા જેટલો જ હતો એટલે મને એમ કે હું સમયસર પહોંચી આવીશ.

પરંતુ મારી ગણતરી કરતા બધું ઉલ્ટુ થયું. જે નર્સરીમાં મારે જવાનું હતું તે બાજુમાં નહી પણ મારાં શહેરથી દૂર બીજા નાનકડા ગામડામાં હતી. આ મારાં કામનો પહેલો જ દિવસ હતો અને હું શોધતી શોધતી જતી હતી, અડધી કલાક ડ્રાંઇવિંગ કર્યા પછી પણ મને તે નર્સરી ના મળી એટલે હું પછી આવવા લાગી, એવામાં રસ્તો પણ ભૂલી ગઈ અને હાઇવે રોડ ઉપર ચડી ગઈ. આ પહેલા મેં ક્યારેય હાઇવે ઉપર ગાડી ચલાવી જ નોહતી. અહીંયા ઇંગ્લેન્ડમાં જયારે આ રીતે એકલા હાઇવે પર જવાનો પહેલો જ અનુભવ હતો. જોકે પહેલો દરેક અનુભવ ગભરામણ સાથે જ ચાલુ થાઈ, પછી તે ગમે ત્યાં હોઈ. મનમાં ખૂબ ડર હતો, કે હું ઘરે નહી પહોંચું તો મારાં બાળકોનું શું થશે? હું ઘરે પહોંચીશ કે નહી? આ મેં શું કર્યુ?

હું અડધે રસ્તેથી પાછી આવી ગઈ અને મેં મારી મેનેજરને ફોન કાર્યો કે મને નર્સરી ના મળી એટલે તેણે મને કહ્યું કે મારે જવું જ પડશે એના વગર ચાલશે જ નહી. થોડીવાર વિચાર કર્યા પછી મને થયું કે જો હું આજ નહી કરી શકુંને તો મારાથી ક્યારેય કંઈ નહી થાય. આમ વિચારીને મેં મારી એક મિત્રને મારાં બાળકોને સમયસર લેવાનું કહી પાછી જવા નીકળી ગઈ. મનમાં ઈશ્વરના નામનું સ્મરણ કરતી કરતી, સરનામું શોધતી શોધતી છેક ત્રણ કલાકે પહોંચી અને 6 કલાકની બદલે 2 કલાક કામ કરીને હેમ ખેમ પછી આવી ગઈ. પરંતુ જયારે પાછી આવતી હતી ત્યારે હું એક બીજી જ વ્યક્તિ હતી. આત્મવિશ્વાસથી ભરપૂર અને હું પણ ગમે તે કરી શકું છું એ હિંમત સાથે પાછી ફરી. બીજા દિવસે પછી બીજી જગ્યાએ અને એમ કરતા કરતા હું આત્મવિશ્વાસ પૂર્વક કામ કરવા લાગી. મને ધરાર પાછી મોકલવા માટે મેં મારાં મેનેજરનો ખૂબ આભાર પણ માન્યો કારણ કે જો તેણે મને ધરાર પાછી ના મોકલી હોત તો હું આજ કંઈ પણ ના કરી સકત. આજ હું મારાં કામ સાથે ખૂબ ખુશ છું અને મને મારાં કામ માટે સંતોષ અને અભિમાન છે. થોડીક હિંમત કરવાથી જિંદગી ચોક્કસ બદલી શકાઈ છે. જ્યારે આ વાત મેં મારાં પતિદેવ આવ્યા ત્યારે કરી તો એ પણ મારી ઉપર ગર્વ લેતા.

આ ઘટના ઉપરથી એક વાત તો નક્કી જ થઈ ગઈ કે જયારે જ્યારે આપણે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં, થોડી હિંમતથી કામ લેવાથી આપણી અંદર એક નવી સંપતીનો વિકાસ થાઈ છે જેનું નામ છે આત્મબળ, આત્મવિશ્વાસ. જેના ભરોસે આપણે આગળ વધવાની  હિંમત કરી શકીએ છીએ. આ ઘટના પછી મેં ક્યારેય પાછુ વળીને નથી જોયું. જીવનનો સારો કે ખરાબ કોઈ પણ અનુભવ આપણને કોઈને કોઈ શીખ આપીને જ જાય છે.

તો મિત્રો, આપણે થોડી હિંમત કરવાની છે બાકી પછી તો પૂરી કાઈનાત આપણી મદદ કરવામાં લાગી જાય છે. તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વરની પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......

હું કહુંને તમે આપો તો માંગણી જેવું લાગે, પરંતુ માંગ્યા વગર આપો તો લાગણી જેવું લાગે....