લોકો ઈચ્છે તો છે કે તમે આગળ વધો પણ તેનાથી આગળ નહી એ હકીકત છે..../The fact is that people want you to move on, but not beyond that...
ૐ
લોકો ઈચ્છે તો છે કે તમે આગળ વધો પણ તેનાથી આગળ નહી એ હકીકત છે..../The fact is that people want you to move on, but not beyond that...
છેલ્લા થોડા વર્ષોમાં મેં એક વાત ખૂબ જોઈ કે પહેલા કરતા લોકો અત્યારે વધુ ધાર્મિક બન્યા છે. કદાચ લોકોની આવવા જવાની સગવડતાઓ વધી છે એટલે, પણ તેની માટે ધાર્મિક સ્થળોની જ મુલાકાત લેવી જરૂરી નથી. કદાચ લોકોનું ધર્મ પ્રત્યેનું જ્ઞાન વધ્યું હશે....... જો એવું હોત તો પોતાના ધર્મને અપનાવવા માટે અને ધર્મનો ફેલાવો કરવાનાં નામે એટલા લડાઈ ઝઘડા ના થતા હોત. ધર્મનું અજ્ઞાન જ આવા કુકર્મ, લડાઈઓ અને દુષણો ફેલાવે. બીજું કારણ એ હોઈ શકે કે લોકોને પોતાના કર્મોનો ડર લાગતો હોઈ અને તેના પરિણામથી બચવાં ધાર્મિક બનતા હશે...... હા, આ કારણ હોઈ શકે એનું કારણ એ છે કે અમુક માણસો નિયમિત ઈશ્વરના દરબારમા જતા હશે એટલે કે મંદિર, મસ્જિદ કે પછી ચર્ચ કે ગમે તે આસ્થાનું સ્થળ પણ અમુક વ્યક્તિ તો ક્યારેય પગથિયાં ચડ્યા જ ના હોઈ અને પછી તમે અવારનવાર તેમને જુઓ એટલે થોડી નવાઈ લાગે. પણ ખેર જે હોઈ તે ધાર્મિક હોવું સારુ છે પણ રૂઢિવાદી હોવું ખરાબ છે. ધર્મ એટલે જ કલ્યાણ અને ધાર્મિક એટલે જેનામાં બીજાનું કલ્યાણ કરવાની ભાવના હોઈ કે કલ્યાણ કરવું હોઈ તે દરેક વ્યક્તિ ધાર્મિક છે. જરૂરી નથી કે ગમે તે ધર્મનું ચિન્હ માથે હોઈ.
ધાર્મિક બનવા માટે જરૂરી નથી તમારે બે ટાઈમ ભગવાનના દીવાબત્તી, માળા જાપ વગેરે કરવાનાં જ, એવું પણ જરૂરી નથી કે નિર્જળા ઉપવાસ કરવાનાં જ અને એવું પણ જરૂરી નથી કે તમારે લાખોના દાન કરવાનાં જ. આ બધું જ આપણા મનને ઈશ્વર સાથે દોસ્તી કરવાનાં જુદા જુદા રસ્તાઓ છે. સમય હોઈ તો અપનાવી શકો છો પરંતુ મનની અંદર બીજા પ્રત્યેની ખરાબ ભાવનાઓ કે બીજાનું બૂરું કરવાનાં વિચારો કે પછી પોતાના સ્વાર્થ માટે બીજાનું નુકસાન કરવાની ભાવના સાથે કરશો તો એ કાર્ય ક્યારેય ફળિભૂત થતું નથી પછી તે ગમે તે ધર્મની ધાર્મિક વ્યક્તિ હોઈ. અરે, ક્યાંય બીજે નથી જોવાની જરૂર ઉભા થઈને અરીસામાં જોઈ આવો અને પછી એ વ્યક્તિને પૂછો કે તું આમાંથી એવું કંઈ કરે છે??? જો સામેની અરીસામાં રહેલી વ્યક્તિ થોડું વિચાર્યા પછી નીચે નજર કરી લ્યે તો સમજવું કે ભલે આપણે ધૂપદીપ, નમાજ પ્રાર્થના, દાનધર્મ કે બીજું ગમે તે કરતા હોઈ બધું જ વ્યર્થ ગયું છે. ના તો આપણે ધર્મ અપનાવ્યો કે ના આપણે ધાર્મિક બન્યા.
મારા મતે સાચો ધર્મ માનવતાનો ધર્મ છે જેમાં બીજા પ્રત્યે દયા, કરુણા, મમતા, પ્રેમ, પોતાના કલ્યાણની સાથે બીજાના કલ્યાણની ભાવના હોઈ. ઈશ્વર કોઈને ઉપરથી ધર્મનો સ્ટેમ્પ મારીને નથી મોકલતા. ઈશ્વર તો આપણને મનુષ્ય બનાવીને મનુષ્ય બનવા મોકલે છે. પણ આ બધું જ ભુલાઈ જાય છે ને આપણે ક્યાંના ક્યાંય ભટકીએ છીએ. આખી જીંદગી મારું તારું કરીએ છીએ અને પોતાનાઓ સાથે જ હરીફાઈઓ કરીએ છીએ અને એકબીજાની આગળ વધવામાં મદદ કરવાને બદલે એકબીજાને નીચા દેખાડીએ છીએ. આપણે ઈચ્છીએ તો છે કે આપણા મિત્રો, ભાઈ બહેનો બધા ખૂબ આગળ વધે, પ્રગતિ કરે પણ આપણે મનથી એમ પણ ઈચ્છીએ છીએ કે આપણા કરતા આગળ ના નીકળી જાય તેનું પણ ખૂબ ધ્યાન રાખીએ છીએ. જે આપણા માનવ બનવાના રસ્તામાં આવતો મોટો પથ્થર છે. જેને હટાડવો ખૂબ જરૂરી છે. આથી પહેલા મનુષ્યમાંથી માનવી બનવાનું છે અને પછી બીજા ધર્મ અપનાવતા પહેલા માનવતા ધર્મ અપનાવવાનો છે. એ અપનાવ્યા પછી ગમે તે ધર્મમાં માનો ઈશ્વર હંમેશા સાથે જ હશે.
તો ચાલો મિત્રો બધા જીવનમાં ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ ઉન્નતિ કરો, હંમેશા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પરમાત્મા પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
બીજા 150 કરતા પણ વધુ બ્લોગ્સ પબ્લિશ થઈ ગયા છે તેને વાંચવા માટે જુઓ
shamdivine.blogspot.com
સાથ બદલ ખૂબ આભાર.





ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો