આજ ગુરુપૂર્ણિમા / Gurupurnima

 

આજ ગુરુપૂર્ણિમા / Gurupurnima

આપણા ગુજરાતી કેલેન્ડરમાં (તારીખયામાં) આ વખતે બે પૂનમની તિથિ બતાવે છે એટલે ગઈકાલે ઘણાએ ગુરુપૂર્ણિમા ઉજવી અને ઘણા આજ ઉજવશે. મહાભારતના રચિયતા વેદવ્યાસજીની પણ આજ જન્મતિથી છે આથી આને વ્યસપૂર્ણિમા પણ કહેવાય છે. આ માતૃદીન, પિતૃદિન અને મિત્રદિન બધા હમણાં થોડા વર્ષોથી છે પરંતુ ગુરુદિન આપણે ઘણા વર્ષોથી ઉજવીએ છીએ ગુરુપૂર્ણિમા રૂપે. જોકે એક દિવસમાં ના તો કોઈનો આભાર માની શકીએ કે ના તો આપણે એમનું ઋણ ચૂકવી શકીએ પરંતુ જે લોકો સાવ જ ભૂલી જાય એના કરતા એક દિવસ તો એવો હોઈ કે આભાર માનવાનું યાદ આવી જાય.

ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુકુળના એ સુંદર દિવસો યાદ આવી જાય. ત્યાં ગુરુપૂર્ણિમાંના તહેવારનું ખૂબ મહત્વ હતું અને ખૂબ જ વૈદિક પદ્ધતિથિ ગુરુપૂર્ણિમા ઉજવતા. સુંદર હવન કરવામાં આવતો, નાનકડી સભા થતી જેમાં બધા ગુરુજનો હજાર રહેતા અને વિધાર્થીનીઓ બધા જ ગુરુજનોનું અભિવાદન કરતી અને સુંદર કાર્યક્રમ થતો. માતા પિતા આપણા બધાના પ્રથમ ગુરુ છે અને તે પછીનું જો કોઈનું ઉંચુ સ્થાન હોઈ તો આપણા ગુરુજનોનું છે. ગુરુ વગર જ્ઞાન નહી. 

"अज्ञान तिमिरांधश्च ज्ञानांजन शलाकया,चक्षुन्मीलितम तस्मै श्री गुरुवै नमः "

આપણા અજ્ઞાન રૂપી અંધકારને ગુરુ જ જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે છે. પહેલાના  ઝમાનામાં ગુરુપૂર્ણિમા એ આધ્યાત્મિક ગુરુઓની પૂજા અર્ચના સાથે જોડેયેલ હતો પરંતુ અત્યારે આધ્યાત્મિક સાચા ગુરુ શોધવા ખૂબ મુશ્કેલ છે. પરંતુ આપણને જેની પાસેથી કઈંક શીખવાનું મળે તે બધાને આપણે ગુરુ માની શકીએ. ઉંમર સાથે લેવા દેવા નથી જેની પાસે જ્ઞાનનો ભંડાર હોઈ અને તે વિનમ્રતા પૂર્વક અને વિનામૂલ્યે જ્ઞાનની વહેંચણી કરતું હોઈ તો એ સાચો ગુરુ કહેવાય. ભગવાન દત્તાત્રયે તેમના જીવનમાં ચોવીસ ગુરુઓ બનાવ્યા હતાં અને તેમાં મનુષ્યથી માંડીને પ્રાણીઓ સુધી હતાં. ભગવાને પણ જયારે આ સુંદર ધરતી ઉપર જન્મ લીધો ત્યારે ગુરુ બનાવ્યા હતાં. શ્રી કૃષ્ણના ગુરુ સાંદિપની ઋષિ અને શ્રી રામના ગુરુ ઋષિ વાષિષ્ઠ હતાં. કબીરજીએ પણ આ સુંદર દોહા વડે ગુરુના મહત્વને ઈશ્વર કરતા પણ ઊંચું ગણાવ્યું છે.

" ગુરુ ગોવિંદ દોનો ખાડે કાકે લાગુ પાઈ, બલિહારી ગુરુ આપની જિસને ગોવિંદ દિયો દિખાઈ "

એટલે કે આપણી સામે ગુરુ અને ભગવાન બેય ઉભા છે, પહેલા કોને પગે લાગવું? ત્યારે કબીરજી કહે છે કે ગુરુજીની કૃપાથી અને આપેલા જ્ઞાનથી જે ઈશ્વરના દર્શન હૂં કરી રહ્યો છું તે ગુરુજીને પહેલા પગે લાગુ કારણ કે એમની કૃપાથી આજે હૂં ઈશ્વરને પામી શક્યો છું. કેટલી બધી કૃતજ્ઞતા પ્રગટ થાઈ છે!!!

આજ આવા આધ્યાત્મિક સાચા ગુરુ મળવા ખૂબ મુશ્કેલ છે અને આપણી વિદ્યા પ્રાપ્તીના અમુક ગુરુઓએ પોતાના અમુક કુકર્મોથી આપણો વિશ્વાસ ડાગમગાવી દીધો છે. છતાએ અમુક જે સાચા છે એમનું તો એટલું જ મહત્વ છે જેટલું પ્રકાશ આપનાર સૂરજ અને ચાંદનું. મારા માતા પિતા અને મારી વિદ્યા પ્રાપ્તીમાં અને મારા જીવનઘડતરમાં ફાળો આપનાર મારા દરેક ગુરુજનોનો અને મારા આધ્યાત્મિક જ્ઞાનનો રસ્તો દેખાડનાર સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના જીવનચરિત્રોને પુસ્તક રૂપે વાંચ્યા છે અને જીવનમાં જે બદલાવ લાવ્યા છે તે બદલ તે દિવ્ય આત્માઓનો ખૂબ ખૂબ ખૂબ આભાર. ઉત્તમ પુસ્તકો પણ સાચા ગુરુ જેટલું જ માર્ગદર્શક બની રહે છે. મહાદેવથી મોટા કોઈ આધ્યાત્મિક ગુરુ બીજા ના હોઈ શકે અને શ્રી કૃષ્ણની ગીતાથી મોટું કોઈ માર્ગદર્શક ના હોઈ શકે. આથી આટલુ પણ આપનાવી શકીએ તો જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાયા વગર ના રહે.

તો મિત્રો, બધાને ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઈશ્વર આપના બધાના જીવનમાં સત્ય જ્ઞાનનો ખૂબ પ્રકાશ પાથરે અને બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!