જેનું વાતે વાતે છટકે છે, એ છેલ્લે એકલું જ ભટકે છે..../The one who escapes by himself, finally wanders alone ....
ૐ
જેનું વાતે વાતે છટકે છે, એ છેલ્લે એકલું જ ભટકે છે..../The one who escapes by himself, finally wanders alone ....
દુનિયામાં કેટલી જાતના માણસો હોઈ છે અને બધાના સ્વભાવ પણ જુદા જુદા હોઈ છે. અરે! દુનિયાની વાત છોડો, આપણા પરિવારમાં કે ઘરની અંદર રહેતા લોકોની જ વાત કરીએ તો બધાના સ્વાભાવ, આદતો અને રીત એકબીજાથી સાવ જુદી જુદી હોઈ છે. જોકે પરિવારમાં પુરુષો કરતા સ્ત્રીઓના સ્વભાવોમાં જ વધારે તકરાર અને ટકરાવ જોવા મળતા હોઈ છે.
ઘણા એવા લોકો પણ હોઈ છે કે તમે ગમે તેટલું રાખો પણ વાતે વાતે છટકે. આપણે ગમે તે કરીએ પણ તે વ્યક્તિ એમાંથી કંઈને કંઈ શોધી જ લ્યે અને પછી ચાલુ કરે ન કરવાની દલીલો. દરેક પરિવારમાં આવું એકાદું તો હોઈ જ. તમે ગમે તેટલા સાચવો પણ મજાલ છે કે તમે એને ખુશ કરી લ્યો!! વાતે વાતે મોઢું ચડાવવું, ગમે તે કાર્યમાં ઊંધુ સીધું બોલવું, પ્રસંગોની જે કંઈ તૈયારી કરી હોઈ પણ બધામાં ખામીઓ શોધવી, મદદ કરવાની જગ્યાએ વાતે વાતે હુકમો છોડવા, પોતાના જ માનઅપમાન વિશે પળે પળે સાવધાન અને બધું જ બરોબર હોઈ છતાં પણ દૂધમાંથી પણ પુરા કાઢે. આખો પ્રસંગ સરખો ઉકેલાય જાય તો છેલ્લે કંઈને કંઈ કાઢે. તમે ગમે તેટલું એની પાછળ કરીને મરી જાવ પણ છેલ્લે છટકે તો ખરા જ. બધાના પરિવારોમાં ભગવાને આવા યુનિક એકાદ સભ્યની એક ભેટ તો આપી જ હોઈ.
આપણે હંમેશા બીજાની સામે આંગળી ચિંધવામાં ખૂબ હોશિયાર છીએ એટલે સામેની વ્યક્તિમાં બધાજ દુર્ગુણો દેખાશે પણ એમ નહી વિચાર કરીએ કે જે પહેલી આંગળી સામે ચીંધીએ છીએ તેની બાજુની ત્રણ આંગળીઓ આપણી સામે છે. એટલે કે બીજામાં એક દુર્ગુણ કે સદગુણ જે જોઈએ તે આપણામાં ત્રણ ગણું વધારે છે, જો સદગુણ જોઈએ તો સદગુણ અને દુર્ગણ જોઈએ તો દુર્ગુણ. આથી બીજાની સામે આંગળી ચિંધતા પહેલા આપણા ગીરેબાનમાં પહેલા ડોકિયું કરવાની જરૂર છે. આમાં જોવાનું તો એ છે કે ક્યાંક આપણે તો એવા વાતે વાતે છટકી જનારા મગજના તો નથી ને?આપણને કોઈ પણ પ્રસંગની તૈયારી કરતા દિવસો લાગે છે અને તેના વિશે વિચાર કર્યા વગર બોલવામાં કે તેને ખરાબ કહેવામાં થોડી ક્ષણો જ પૂરતી હોઈ છે. દરેક ખૂબ ઉમંગથી, આનંદથી પોતાના નાના મોટા પ્રસંગો ઉજવતા હોઈ છે અને તેમાં જયારે આવી કોઈ વ્યક્તિ આવી નાની વાતનું મોટું બનાવી ને વતેસર કરે ત્યારે મીઠી ખીરમાં જાણે લીંબુનું ટીપું પડ્યું હોઈ તેમાં બધું બગાડી નાંખે અને છેલ્લે છટકે પણ ખરી. આખા પ્રસંગનો આનંદ પોતે તો નાજ લ્યે પણ બીજાની મજા અને આનંદ પણ મરી નાંખે. મેં આવા વ્યક્તિઓને જોયા છે એટલે ખૂબ સારી રીતે જાણું છું.
આપણે જો આવા વાતે વાતે છટકી જનારા હોઈએ તો આગળ જીંદગીમાં એકલા ભટકવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે દરેક વસ્તુ અને વ્યક્તિની એક હદ હોઈ છે. કોઈને તકલીફ આપવાની પણ હદ હોઈ છે અને કોઈની તકલીફ સહન કરવાની પણ એક હદ હોઈ છે અને જયારે કોઈ પણ વસ્તુ હદથી બહાર જાય ત્યારે એ વિનાશક રૂપ ધારણ કરી લ્યે છે અને ત્યાં પછી વિનાશ અને બરબાદી વગર કંઈ જ નથી રહેતું. પછી તે વ્યક્તિ હોઈ, કુદરત હોઈ કે પછી ગમે તે બીજું. હદથી બહાર વહેતુ પાણી પણ પુર જ કહેવાઈ છે અને હદથી બહાર જાતિ વ્યક્તિ પણ બેકાબુ જ કહેવાઈ છે. આથી આપણું પોતાનું હોઈ અને તેનાથી કંઈ ભૂલ થઈ હોઈ તો તેને કહેવાની પણ એક હદ હોઈ છે. પ્રસંગોમાં નારાજગી બતાવી પ્રસંગોની મજા મારવા કરતા પૂરો થયા પછી ક્યાં નથી સમજવાતું કે વાત નથી થતી. અને જો આવું કરતા ના આવડે અને વાતે વાતે છટકીએ રાખશો તો એક દિવસ લોકો આપણને બોલાવવાનું અને માન આપવાનું જ બંધ કરશે કારણ કે દુનિયામાં કોઈ વગર કંઈ અટકતું નથી. જે નાનકડા બાળકોને ઘોડિયામાં મૂકીને માબાપ મરી જાય છે તે બાળકો પણ મોટા થઈ જ જાય છે તો આપણા વગર પણ કોઈના પ્રસંગો અટકશે નહી. આ તો દુનિયા છે જ્યાં પાણીમાંથી હાથ કાઢોને જગ્યા બુરાઈ જાય. તો પોતાની જાતને માટે જે માન સમ્માનની આશા રાખો છો તે જ માન સમ્માન સામેની વ્યક્તિને પહેલા આપો. ખૂબ નાનકડી વાત છે પણ સમજતા જીંદગી ટૂંકી પડે છે.
ચાલો ત્યારે ફરી મળ્યે ત્યાં સુધી બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
મારા બીજા બોલગ્સ વાંચવા માટે shamdivine.blogspot.com ઉપર ક્લિક કરો . ખૂબ ખૂબ આભાર.






ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો