જ્યાં નથી છલ, ત્યાં જીંદગી છે છલોછલ......

 

જ્યાં નથી છલ, ત્યાં જીંદગી છે છલોછલ......

આ દુનિયા સારા અને ખરાબ એમ  બેય જાતના લોકોથી ભરેલી છે અને બંને જાતના લોકોની જરૂરત રહે છે. જો બધું સારૂ સારૂ અને સુંદર સુંદર હોત તો કદાચ આજ સ્વર્ગ કહેવાત અને જો બધું ખરાબ ખરાબ જ હોત તો નર્ક કહેવાત. પરંતુ એવું નથી, અહીંયા બંને છે, સારૂ પણ છે અને ખરાબ પણ છે આથી જ તો આપણે આને મરત્યલોક કે પૃથ્વીલોક કહીએ છીએ. અહીંયા બધાને પોતાના આગલા, પાછલા અને અત્યારના કર્મો અનુસાર અને પોતાની સમજણ અનુસાર દુઃખ સુખનો અનુભવ થાઈ છે.

ઈશ્વરે જેવી રીતે આ પૃથ્વી ગોળ ( વર્તુળ ) બનાવી છે તેવી જ રીતે આપણા જીવન મરણ, સુખ દુઃખ, અને કર્મોની ગતિ બધું જ એક વર્તુળમાં જ કામ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે વિચારો કે મારે આખી દુનિયાને ફરતે ચક્કર મરવું છે તો તમે જાપાનથી ચાલો તો પાછા જાપાન પોહચો. ઉપર ઉત્તર ધ્રુવથી ચાલો તો ગોળ ફરીને પાછા ત્યાં જ પહોંચો. આજ નિયમ આપણા સારા ખરાબ કર્મોની સાથે પણ છે. સારા કર્મો કરતા જાવ કરતા જાવ તો એના પરિણામે સુખની સાંકળ જ ગુંથાતી જશે અને જો ખરાબ કર્મો કરતા જશું તો દુઃખની સાંકળ ગુંથાતી જશે. તમે જે આપશો એજ તમને પાછુ મળશે, એજ કુદરતનો નિયમ છે.

કર્મફળ ત્રણ રીતે કાર્ય કરે છે. એક, કર્મ કર્યુ કે તરત જ ફળ મળે. બીજું, કર્મ કર્યા પછી અમુક સમય પછી ફળ  એટલે કે પરિણામ મળે અને ત્રીજું, એમાં કર્મ અત્યારે કરો પણ એનું ફળ તમને પછીના જન્મમાં મળે. આ એક ઉદાહરણથી જોઈએ જો આપણે કોઈને તમાચો મારીએ અને તે સીધો જ આપણને સામે તમાચો મારી દયે તો  આપણને કર્મનું ફળ તરત જ મળી ગયું. બીજું, આપણે તમાચો મારીએ પણ સામેની વ્યક્તિ કંઈ પણ બોલ્યા કર્યા વગર ચાલી જાય પરંતુ થોડા સમય પછી આપણી ઉપર ગુંડાઓ વડે કે પછી પોતે આપણને મારી મારીને ભાંગી નાંખે અને ત્રીજું તે કંઈ જ ન કરે પણ મનથી આપણને ખૂબ બદદુઆઓ આપે આપણને કોસે તો એ આપણને ગમે તે જન્મમાં આપણને  નળવાનું જ છે. જ્યાં સુધી આપણા સત્કર્મના પુણ્ય હશે ત્યાં સુધી આપણને કંઈ જ નહી થાઈ પરંતુ જેવું એ પુણ્ય આપણા કર્મના ખાતામાંથી ઓછું થવા લાગશે કે આપણને નડવાનું  ચાલુ થાઈ જશે. આથી જ વડીલો કહેતા આવ્યા છે કે બાપદાદાના પુણ્ય હતાં તે આજે સુખી છીએ. અથવા કહે કે, ખબર નહી એવા તે બાપદાદાના ને આપણા શું પાપ હશે કે ક્યારેય સુખી જ ના થયા. બરોબર ને??

પણ આ હકીકત છે અને જીંદગીનો સીધો અને સરળ જ હિસાબ છે. આ બધું સારા કર્મ કરવા, ખરાબ કર્મ કરવા એ બધું કંઈ એની મેળે જ નથી થઈ જતું. બધા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે, ખાસ કરીને ખોટું કરવા માટે, કે બીજાનું ખરાબ કરવા માટે. ખોટું કરવા માટે વિચારવું પડે, યુક્તિઓ કરવી પડે અને બીજું પણ કંઈ કરવું પડતું હશે પણ જયારે સાચું કામ કરવા જઈએ ત્યારે ઘણી અડચણો આવશે પણ વિચારવું નહી પડે કે  ના યાદ રાખવું પડે. જેઓ કોઈ સાથે છળ કપટ કરતા હશે તેઓ કેટલું વિચારી વિચારીને સીધા માણસોને ફસાવતા હશે!!! યાદ રાખવા જેવું એ છે કે આપણે જેની સાથે છલ કરીએ તેને તો ફક્ત નુકસાની જ વેઠવાની છે પણ આપણે છલ કરનારાને તો ચારે બાજુથી નુકસાન જ નુકસાન છે. તનનું, મનનું, ધનનું અને કુદરતના કાયદાના ભંગનું પણ. આથી મહાભારતના યુદ્વમાં ધર્મ માટે કરવામાં આવેલા છલના પરિણામ સ્વયં ભગવાને પણ ભોગવ્યા હતાં તો યાદ રાખજો આપણે તો સામાન્ય માનવીઓ છીએ. સીધીસાદી જીંદગી છે સરળતાથી જીવ્યે, આનંદથી જીવ્યે અને બીજાના જીવનમાં પણ આનંદ ફેલાવ્યે.

ચાલો ત્યારે બધાના કલ્યાણણી ભાવના સાથે બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday