મહેનત કર્યા પછી પણ સપના પુરા ના થાઈ તો શું કરવું??/What to do if the dream does not come true even after working hard ??
ૐ
મહેનત કર્યા પછી પણ સપના પુરા ના થાઈ તો શું કરવું??/What to do if the dream does not come true even after working hard ??
જ્યારથી આપણાંમાં સમજણ આવે ત્યારથી આપણે આપણા ભવિષ્યના સપનાઓ જોવા લાગીએ છીએ. જો ભણવામાં હોશિયાર હોઈ તો સારામાં સારી કારકિર્દી બનાવવાનું, જો ભણવામાં રસ ના હોઈ તો કોઈ ધંધો કરવા વિશે સપના જોશે, સુંદર ઘર, ગાડીઓ, નોકરચાકર, આરામદાયક રજાઓના સપનાઓ જોશે, સુંદર છોકરી / પૈસાવાળા છોકરા સાથે કે / પોતાના ગમતા પાત્ર સાથે જીવનના જીવવાના સપનાઓ જોશે અને ઘણું બધું ભવિષ્ય વિશે વિચારશે અને મનમાં ને મનમાં ખુશ પણ થશે. કલ્પનાઓના ઘોડા દોડાવવામાં ક્યાં કોઈ પાબંદી છે કે ત્યાં કંઈ પૈસા દેવા પડે છે!!!!
આ એ ભવિષ્યના સપનાઓને પુરા કરવા માટે વર્તમાનમાં જીવવું અને વર્તમાનમાં પ્રયત્ન કરવો અને યોગ્ય પગલાં ભરવા જરૂરી છે. નિંદરમાં આવતા સપનાઓ તો આંખ ઉઘાડતા કદાચ ભુલાઈ પણ જાઈ પણ ખુલ્લી આંખે જોયેલા સપનાઓમાં એજ સાકાર થાઈ છે જેને પુરા કરવા માટે નીંદર જ ના આવે. આપણે ભવિષ્યના સપના જોવામાં એટલા મશગુલ છીએ કે તેમાં વર્તમાનને નજરઅંદાજ કરીએ છીએ અને પછી ભવિષ્યના સપનાઓ, સપનાઓ કે શેખચિલ્લીના વિચારો બની જાઈ છે. બીજું આપણે ક્યારેય આપણા સપનાઓ પૂરી કરવાની જવાબદારી આપણી ઉપર નથી લેતા બીજા આપણી માટે કરશે બધું જ નહી તો થોડા માટે પણ બીજા ઉપર રાખેલો આધાર આપણને નિરાશ કરી શકે છે. આથી પોતાના સપનાઓ પૂરી કરવાની પૂરી જવાબદારી આપણે જ લેવાની છે અને પૂરી મહેનત અને પ્રયત્ન પણ આપણે જ કરવાનો છે. જો એમાં બીજા કોઈ મદદરૂપ થાઈ તો એ આપણું બોનસ સમજવું પણ આશા નહી રાખવાની. ગમેતે કાર્યની સફળતાનો આધાર બુદ્ધિપૂર્વકની મહેનત છે અને સાથે સાથે સાચી નિતી અને પ્રામાણિકતા છે. જયારે આપણે સાચા સિદ્ધાંતો અને સારી ભાવના સાથે કોઈ કાર્ય કરીએ એટલે એ સફળ થવાનું જ છે. ભવિષ્યના સપનાઓ પુરા કરવા માટે અત્યારથી ધ્યેય નક્કી કરવાનું હોય અને એ દિશામાં અથાગ મહેનત કરવાની હોઈ છે. સચ્ચાઈ, નિતી અને ઈમાનદારીના રસ્તા ઉપર ચાલશું તો ભીડ ખૂબ ઓછી મળશે પણ જેટલી મળશે તે દુનિયા બદલવાની તાકાત રાખતું હશે. કદાચ અહીંયા શરૂઆતમાં ધારેલો ફાયદો કે નફો ના પણ થાઈ પણ એક વખત એમાં તમારું નામ થઈ ગ્યું તો તમારા હરિફો ઘણા ઓછા હશે. દરેક કાર્યના પાયામાં આજ નિયમો રાખવાના હોઈ છે. પછી તે આત્મિક વિકાસ હોઈ, બૌદ્ધિક વિકાસ હોઈ કે પછી ભૌતિક વિકાસ હોઈ બધામાં આ જ સિદ્ધાંત રાખવાના હોઈ છે અને રાખવા જ જોઈએ જો આ દુનિયામાં અને ઈશ્વરના હૃદયની દુનિયામાં રાજ કરવું હોઈ તો.
ઘણી વખત એવું પણ બને કે ખૂબ ખૂબ મહેનત કરવા છતાએ આપણા સપનાઓ પુરા ના થાઈ કે આપણા કાર્ય પુરા ના થાઈ ત્યારે ક્યારેય પોતાના સિદ્ધાંતો બદલવાનો વિચાર નહી કરવાનો કારણ કે ઘર સુધી પહોંચવા માટે એક રસ્તો બંધ હોઈ તો બીજે રસ્તેથી જવું પડે અથવા બીજો શોધવો પડે અથવા રસ્તા ઉપર જે અડચણો હોઈ તેને દૂર કરવી પડે પણ ત્યાં કામ કરતા હોઈ એને લાંચ આપી ઘરે ના જ અવાય. તેમાં આપણા ધનની અને આપણી અને બીજાની નિતીની નુકસાની છે. આથી આપણે એક કાર્ય પદ્ધતિમાં સફળ ના થઈએ તો બીજી પદ્ધતિ અપનાવવી પણ સિદ્ધાંતો હંમેશા નીતિવાન જ રાખવા. જેના સિદ્ધાંતો અને સંસ્કારો પોતાની સંસ્કૃતિના મૂળ સાથે જોડાયેલા હશે તેઓ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ હિંમતથી અડીખમ પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે. વૃક્ષો પણ ઋતુ પ્રમાણે પોતાના પાંદડાઓ બદલે છે મૂળિયાં નહી. આ ચોક્કસ યાદ રાખીએ.
ચાલો બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏 બીજા 200 જેટલા બ્લોગ્સ વાંચવા માટે જુઓ shamdivine.blogspot.com
તમારા અમૂલ્ય સમય માટે સદા આભારી છું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો